• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

અફઘાનિસ્તાનમાં મીઠું પાણીઃ શ્રેય ગુજરાતીઓને

– કેતન ત્રિવેદી (‘ચિત્રલેખા’ સાપ્તાહિક)

‘‘અમને ગેસ્ટ હાઉસની બહાર પગ મૂકવાનીય મનાઈ હતી. ગામડાંમાં જઈએ ત્યાં અજાણ્યા લોકો સાથે વધુ પડતી વાતચીત કરવાનીય મનાઈ. સલામતી માટે અમને સિકયોરિટી ગાર્ડ.આખા અફઘાનિસ્તાનમાં અમે જ્યાં ફરતા ત્યાં બુલેટપ્રૂફ ગાડીમાં સિકયોરિટી ગાર્ડને સાથે રાખીને જ ફરતા…’’

આવું સાંભળીએ એટલે પહેલાં તો લાગે કે આ નક્કી કોઈ વીઆઇપી હશે. ભારત સરકારે એમને ડિપ્લોમેટિક મિશન માટે અફઘાનિસ્તાન મોકલ્યા હશે. નહીં તો એક તરફ આખું અફઘાનિસ્તાન ત્રાસવાદના બારૂદ પર બેઠું હોય ત્યાં સામાન્ય માણસ જવાનું સાહસ શું કામ કરે?

આવું સાહસ કર્યું છે ભાવનગરની જાણીતી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના બે બહાદુર ટેકનિશિયને.  એમાંય વળી એકનું તો નામ જ બહાદુરભાઈ રાઠોડ છે તો બીજાનું નામ છે અશોક મકવાણા.  આ બેય ટેકનિશિયન હમણાં ઇન્સ્ટિટયૂટના કામે પંદર દિવસ અફઘાનિસ્તાન રોકાઈને અફઘાનોને મીઠું ભૂ પાઈ આવ્યા છે!

ઇન્સ્ટિટયૂટના ડિરેકટર ડૉ. પુષ્પિતો ઘોષ પોરસાઈને કહે છે: `અફઘાનિસ્તાનમાં સૌ પ્રથમ વાર આ રીતે આર ઓ પ્લાન્ટ (રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ, નાખવાનું શ્રેય સંસ્થાને મળ્યું છે. ઇન્સ્ટિટયૂટના ડેપ્યુટી ડિરેકટર અને પ્રોજેકટના ઇન્ચાર્જ સાયન્ટિસ્ટ સોહનલાલ દાગા કહે છે એ મુજબ દરિયાનાં ખારાં પાણીને કે ક્ષારયુકત ભૂગર્ભ જળને મઠા પાણીમાં રૂપાંતરિત કરીને પીવાલાયક બનાવતા મેમ્બ્રેન ટેકનોલોજીના આરઓ પ્લાન્ટ બનાવવાનું સંસ્થાએ સાતેક વર્ષ પહેલાં શરૂ કર્યું.

ગુજરાત-રાજસ્થાન-આંધ્ર પ્રદેશ અને દિલ્હી ઉપરાંત તામિલનાડુ અને આંદામાન-નિકોબારમાં પણ સંસ્થાએ પ્લાન્ટ આપ્યા છે. રાજસ્થાનમાં અજમેર નજીક ટીલોનિયા ખાતે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા બેરફૂટ બોલેજે પણ આ પ્લાન્ટ નખાવીને સ્થાનિક લોકોની પીવાનાં પાણીની સમસ્યા હલ કરી છે.  આ વાત સંસ્થા પાસેથી ડૉ. પુષ્પિતો ઘોષના એક જૂના મિત્ર અને અફઘાનિસ્તાનમાં સ્વૈચ્છિક સંસ્થા નોર્વેજિયન ચર્ચ સુધી પહોંચી.


નોર્વેજિયન ચર્ચ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્વૈચ્છિક સંસ્થા છે.  આ સંસ્થાને સેન્ટ્રલ સોલ્ટ ઇન્સ્ટિટયૂટનો સંપર્ક સાધ્યો અને અફઘાનિસ્તાનનાં અંતરિયાળ ગામડાંમાં આરઓ પ્લાન્ટ નાખવાની તૈયારી દાખવી.

અફઘાનિસ્તાનના જીઓ-કલાયમેટિક વાતાવરણને અનુરૂપ છ પ્લાન્ટ (પાંચ વીજળીથી ચાલતા અને એક સોલારથી ચાલતો) આ ઇન્સ્ટિટયૂટે ભાવનગરમાં જ બનાવ્યા અને એ કઈ રીતે ઓપરેટ કરવા એની તાલીમ લેવા અફઘાનિસ્તાનથી છ અફઘાનીઓય ભાવનગર રોકાઈને ગયા.  પ્લાન્ટના પાટર્‌સ પેક કરીને એર કોર્ગો મારફતે કાબુલ રવાના પણ થઈ ગયા.

એ લોકો જેટલી જગ્યાએ પ્લાન્ટ ફિટ કરવા ગયા ત્યાં એમણે ગામલોકોને કેરબા લઈને પાણી ભરવા આવતા જોયા. પઠાણ જેવો પઠાણ પણ કેરબો લઈને પાણી ભરતો! કયાંય ઘડો કે ડોલ જોવા ન મળે.  હવે ઘડો જ ન દેખાય તો પનિહારી તો કયાંથી દેખાય?

અલબત્ત, આ બધી અગવડતા-સગવડતા વચ્ચેય બહાદુરભાઈ તથા અશોકભાઈને અફઘાનીઓને મીઠું પાણી પાયાનો આનંદ છે.  વરસોથી ક્ષારયુકત પાણી પીતા કે પીવાનાં પાણી માટે ઊંટ પર દૂર દૂર ભટકતા અફઘાનીઓના ચહેરા પર ઘરઆંગણે મીઠું પાણી આવ્યાની ખુશી છલકતી જોઈને એમને કામ કરવાનો સંતોષ મળતો હતો.  સ્થાનિક લોકો એમને પ્લાન્ટ ફિટ કરવામાં મદદ પણ કરતા.

Leave a comment