• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

સહિયારી શક્તિથી…

ગુજરાતના નાનકડા ગામની સીમમાં હળ ચલાવતા ખેડૂતથી માંડીને ઘર સંભાળતી ગૃહિણીઓ સુધી સૌના જીવનનો ધબકાર એટલે પાણી. પાણી ગુજરાતના ગામ, નગર કે શહેરનો પ્રાણપ્રશ્ન રહ્યું છે. સામાન્ય રીતે બને છે તેમ અહીં પણ જવાબદાર ઠેરવાય છે કુદરતને કે વહીવટીતંત્રને. પરંતુ હવે સમય છે તમામ લોકોએ વિચારવાનો અને પોતાની ભૂમિકા સમજવાનો.

જનશક્તિનો આધાર

સૌથી પહેલાં તો આપણે પાણીને સમસ્યા તરીકે નહીં, પણ શક્તિ તરીકે જોવાની જરૂર છે. નિષ્ણાતો માને છે કે પાણીનો પ્રશ્ન મહદઅંશે વ્યવસ્થાપનનો પ્રશ્ન છે અને તેથી તેમાં લોકોની ભાગીદારી મહત્ત્વની બની જાય છે. ગુજરાતના લોકોમાં પાણી છે અને ગુજરાતના પાણી ક્ષેત્રમાં લોકો પોતે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. આ પાસા તરફ વધુ ધ્યાન આપવામાં આવે તો પાણી આપણી કમજોરી ન રહેતાં શક્તિ બની શકે તેમ છે.

બીજી એક ભૂલ આપણે અત્યાર સુધી એ કરતા આવ્યા છીએ કે પાણી અને સ્વચ્છતાના મુદ્દાને આપણે હંમેશાં અલગ અલગ દૃષ્ટિકોણથી જોયા છે. પાણીની ઉપલબ્ધિ માટે જેટલા પ્રયાસો થયા છે એટલા લોકોમાં, ખાસ કરીને ગ્રામસ્તરે સ્વચ્છતા પ્રત્યેની સભાનતા કેળવવાના પ્રયાસો થયા નથી.

વાસ્મોનું લક્ષ્ય

વૉટર ઍન્ડ સૅનિટેશન મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશન (વાસ્મો) આ બંને ક્ષેત્રે – લોકોની ભૂમિકા અને પાણી-સ્વચ્છતા તરફ સમાન લક્ષ – એક નવી વિચારધારા ઊભી કરવા પ્રયત્નશીલ છે.

વાસ્મોના નામ પ્રમાણે તેનું કાર્યક્ષેત્ર પાણી અને સ્વચ્છતા છે એવું કહી શકાય, પરંતુ વાસ્તવમાં વાસ્મોનું લક્ષ એટલું સીમિત નથી. પાણી અને સ્વચ્છતાનું ક્ષેત્ર તો માત્ર એક માધ્યમ છે. વાસ્મો વિશેષ તો લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકે છે અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા મથે છે.

લોકો તેમની આવડત, અને ક્ષમતા ઓળખે તથા આપબળે પોતાનો વર્તમાન અને ભાવિ ઉન્નત બનાવે એ વાસ્મોનું ધ્યેય છે.

સૌનો સહકાર જરૂરી

પીવાના પાણી અને સ્વચ્છતાના વ્યવસ્થાપનના નિષ્ણાતો ઉપરાંત, ગ્રામપંચાયત અને પાણી સમિતિના સભ્યો, બહેનો, ગામની શાળાના શિક્ષક, વિદ્યાર્થીઓ, ગ્રામસ્તરે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો, પોતાના ગામની ઉન્નતિ ઈચ્છતા, પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ… આપણે સૌ સાથે મળીને આ દિશામાં કામ કરીએ.

આપણે સૌ સાથે મળીને, એકમેકને સહકાર આપીને આપણું જીવન વધુ પાણીદાર, વધુ સ્વચ્છ, વધુ સ્વસ્થ અને વધુ ઉજ્જ્વળ બનાવીએ.

Leave a comment