• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

જળ આયોજન અને જળ અનુશાસનની આવશ્યકતા

પ્રો. આર. સી. પોપટ

વર્તમાન સમયમાં દેશના આર્થિક વિકાસના ત્રણ અધારસ્તંભો સ્વીકારવામાં આવ્યા છે – પાણી, પાવર અને પેટ્રોલ. તે પૈકીના એક પાણીનો ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે.

ગુજરાતની પાણીની માંગના સંદર્ભમાં તેના પુરવઠાનો વિચાર કરીએ તો વર્ષ દરમિયાન ગુજરાતની પાણીની માંગ નીચેના ચાર હેતુઓમાંથી આવે છે.

– પીવા અને ઘરવપરાશના હેતુ માટે

– ખેતી અને પશુઓના ઉપયોગ માટે

– ઉદ્યોગક્ષેત્ર માટે

– જાહેર સફાઈ અને અન્ય હેતુઓ માટે

પીવા અને ઘરવપરાશના હેતુ માટે ગુજરાતની પાણીની વાર્ષિક જરૂરિયાત હાલની વસતીના ધોરણે ર૦૦ કરોડ ઘનમીટરની અંદાજવામાં આવી છે જ્યારે ખેતીના હેતુ માટે રર૪૦ કરોડ ઘનમીટર અને તે સિવાયના ઉદ્યોગ, જાહેર સ્વચ્છતા, બાગબગીચા તેમજ અન્ય હેતુઓ માટે પ૬૦ કરોડ ઘનમીટર એમ બધું મળીને કુલ ૩૦૦૦ કરોડ ઘનમીટરની અંદાજવામાં આવી છે.

તેની સામે જળ ઉપલબ્ધિના મુખ્ય ત્રણ સ્રોત રાજ્ય પાસે પ્રાપ્ય છે. કુદરતી વરસાદનું પાણી, નદીતળાવ અને નાના-મોટા બંધોમાં સંગ્રહાયેલું પાણી અને ભૂગર્ભ જળ. હવે જળ સંગ્રહાલયો તેમ જ ભૂગર્ભમાંથી પ્રાપ્ત થતું પાણી પણ છેવટે તો વરસાદ દ્વારા જ આવે છે. વરસાદનું પાણી જેટલું જમીનમાં ઉતારી શકાય તેટલા પ્રમાણમાં ભૂગર્ભ જળની સપાટી ઊંચી લાવી શકાય. તેવી જ રીતે વરસાદના પાણીનો જેટલો વધુ સારી રીતે સંગ્રહ કરી શકાય તેટલા પ્રમાણમાં રાજ્યનાં જળાશયો ભરપૂર રહીને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડી શકે. ગુજરાતમાં સારા ચોમાસામાં વરસાદનું પાણી સરેરાશ ૧૩૦૦૦ કરોડ ઘનમીટર જેટલું પડે છે. ગુજરાતની વાર્ષિક ૩૦૦૦ કરોડ ઘનમીટર પાણીની આવશ્યકતા જોતાં રાજ્યમાં વરસાદ પૂરતા પ્રમાણમાં પડે છે તેમ કહેવાય.

નબળા ચોમાસાનાં વર્ષોમાં પાણીની જરૂરિયાત માટે ભૂગર્ભ જળ ઉપર જ આધાર રાખવો પડે છે. પરિણામ એ આવે છે કે, દર વર્ષે જેટલું પાણી ભૂગર્ભમાં ઊતરીને રિચાર્જ થાય છે તેમાંથી ખાસ્સો એવો ભાગ પાછો ખેંચી લેવામાં આવે છે.

આ સંદર્ભમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે ગુજરાતમાં એકંદરે રિચાર્જ થઈ શકતા પાણીનો ૮પ ટકા ભાગ પાછો ખેંચી લેવામાં આવે છે. ગુજરાતને અત્યારે વાર્ષિક માથાદીઠ સરેરાશ ૧૧૩૭ ઘનમીટર જેટલું પાણી વાપરવા મળે છે, તેની સામે સમગ્ર રાષ્ટ્રની આ સરેરાશ ર૦૦૦ ઘન મીટરની છે. ગુજરાતનાં જળાશયોની પૂર્ણ ક્ષમતા ૩ર૦૦ કરોડ ઘનમીટર પાણી પૂરું પાડવાની છે, પરંતુ આ જળાશયો ભાગ્યે જ આખું વર્ષ પૂરાં ભરાયેલાં રહે છે. પરિણામે ગુજરાતની ૩૦૦૦ ઘનમીટર પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે અંદાજે ૧૧૦૦ કરોડ ઘનમીટર પાણી ભૂગર્ભમાંથી ખેંચવું પડે છે. ભૂગર્ભના પાણીની ગુજરાતની ક્ષમતા ૧ર૮પ કરોડ ઘનમીટરની છે તેમાંથી ૮પ ટકા જેટલું પાણી તો દર વર્ષે ખેચી લેવામાં આવે છે.

આ પ્રકારની વિષમ પરિસ્થિતિ નિર્માણ થવાનું કારણ રાજ્યમાં જળ આયોજન અને જળ અનુશાસનનો અભાવ છે. સારા ચોમાસામાં ૧૩૦૦૦ કરોડ ઘનમીટર વરસાદી પાણી આપણા રાજ્યમાં પડે છે તે આપણું સદભાગ્ય ગણાવું જોઈએ, પરંતુ યોગ્ય આયોજનના અભાવે આપણે જ તે સદ્ભાગ્યને દુર્ભાગ્યમાં પલટાવી નાખીએ છીએ.

વરસાદ પડે છે ત્યારે જળધારાના રૂપમાં કુદરતની કૃપા વરસે છે તેને પ્રભુની અમૂલ્ય પ્રસાદી ગણીને તેના એક એક બુંદનો ઉચિત ઉપયોગ કરવો જોઈએ. તેને બદલે ૭૦ ટકા વરસાદી પાણી વ્યર્થ વહી જઈને સમુદ્રમાં ઠલવાઈ જાય છે અને તેના કુલ જથ્થામાંથી ભાગ્યે જ ૪પ૦૦ કરોડ ઘનમીટર પાણીનો યથાર્થ ઉપયોગ કરી શકાય છે. આ જથ્થો રાજ્યની પાણીની કુલ જરૂરિયાતની લગોલગનો ગણી શકાય તેવો છે.

ગુજરાત રાજ્યનો પાણીનો પ્રશ્ન ખરેખર પાણીના પુરવઠાનો નહીં, પરંતુ પાણીના યોગ્ય વ્યવસ્થાપનનો છે. કુદરતે આપેલા પાણીનું જો યોગ્ય સંચાલન કરવામાં આવે તો, રાજ્યને પાણીની અછત એક પણ વર્ષ સહન કરવી પડે નહીં. આ માટે પાણીના પુરવઠા અને માંગ બધાં પાસાંઓનું સંપૂર્ણ સંચાલન જરૂરી બની રહે છે.

સૌપ્રથમ પાણીના પુરવઠાનો વિચાર કરીએ તો, વરસાદ દ્વારા પ્રાપ્ત થતાં પાણીના પ્રત્યેક બુંદને વ્યર્થ વેડફાવા ન દેતાં તેના સંગ્રહ માટેનું આયોજન તૈયાર કરવાની આવશ્યકતા છે. વરસાદના પાણીના સંગ્રહ માટે મોટા તેમજ નાના બંધો હજુ પણ વધુ બાંધવા, ગ્રામીણક્ષેત્રે પ્રત્યેક ગામદીઠ ઓછામાં ઓછો એક ચેકડેમ તૈયાર કરવો, ખેતરોમાં જ્યાં શક્ય હોય ત્યાં ખેત તલાવડીઓ તૈયાર કરવી, વોટરશેડ બનાવવા, કૂવાડંકી રિચાર્જ કરાવવા, નાના કૂવા તૈયાર કરવા વગેરે જેવી યોજનાઓ યુદ્ધના ધોરણે હાથ ધરવાની તાતી જરૂર છે. લોકભાગીદારીથી ચેકડેમ બાંધવાની યોજના રાજ્યમાં છેલ્લાં દસેક વર્ષથી ચાલે છે.

તેવી જ રીતે દરેક ઘરે વરસાદના વહી જતા પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકા બનાવવાની યોજના હાથ ધરવી પડશે. અગાશીના વહી જતા પાણીને તેમ જ વરસાદી પાણીને આ ભૂગર્ભ ટાંકામાં ઝીલી સંગ્રહી શકાય અને આખું વર્ષ તેનો ઘરવપરાશમાં ઉપયોગ કરી શકાય.

(લેખક સંદેશ દૈનિકના કટાર લેખક છે.)

Leave a comment