• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

વાસ્મો વિશે

ગુજરાત સરકારે રચેલી અને પાણી અને સ્વચ્છતાના ક્ષેત્રે લોકો સાથે કામ કરતી સંસ્થા વાસ્મોની સાવ ટૂંકી ઓળખ આ રીતે આપી શકાય – વિશેષ તો લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો.

વાસ્મો માટે પાણી અને સ્વચ્છતાનું ક્ષેત્ર એ તો એક માધ્યમ છે. ખરેખર તો લોકો તેમની આવડત, અને ક્ષમતા ઓળખે તથા આપબળે પોતાનો વર્તમાન અને ભાવિ ઉજ્જ્વળ બનાવતા થાય એ વાસ્મોનું ધ્યેય છે. લોકશાહીના પાયાની સ્થાનિક સ્વરાજ સંસ્થા – ગ્રામ પંચાયત – પોતાની રીતે ગામમાં સુવિધાઓ તૈયાર કરીને વિકાસનાં સોપાન સાધી શકે તેવા વિશ્વાસથી વાસ્મો કામ કરે છે.

આ માટે, વાસ્મો ગ્રામ પંચાયતમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે.

ટૂંકો પરિચય

  • વાસ્મો ગુજરાત સરકારે રચેલી એક સ્વાયત્ત સંસ્થા છે. ગ્રામપંચાયતો અને ગામલોકો સ્થાનિક જળસ્રોતનું વ્યવસ્થાપન કરી શકે અને પેયજળ તથા પર્યાવરણીય સ્વચ્છતાની સુવિધાઓ તૈયાર કરી જાળવી શકે એવી સ્થિતિ સર્જવી એ વાસ્મોનું ધ્યેય છે. આ માટે વાસ્મો લોકોને પ્રોત્સાહન-સહયોગ આપે છે અને સક્ષમ બનાવે છે.
  • વાસ્મો ગ્રામવિકાસમાં મહિલાઓની ભાગીદારીને સૌથી વધુ મહત્ત્વ આપે છે. ગામની પાણી અને સ્વચ્છતા સુવિધાઓનું તમામ કામ સંભાળવા માટે ગ્રામપંચાયત દ્વારા પાણી સમિતિની રચના કરવામાં આવે છે. તેમાં પણ, ત્રીજા ભાગની મહિલાઓ હોવી જરૂરી છે. આ પાણી સમિતિ ગામની યોજનાઓનું આયોજન, મંજૂરી, અમલ, સંચાલન અને જાળવણી કરે છે, જળસ્રોતનું વ્યવસ્થાપન કરે છે અને વર્ષભર સલામત અને વિશ્વસનીય પીવાનું પાણી મેળવવાના પ્રયાસો કરે છે. વાસ્મો તેમાં સહાયક તરીકેની ભૂમિકા ભજવી ખૂટતી નાણાકીય, ઇજનેરી તથા અન્ય સહાય કરે છે.
  • ગુજરાત સરકાર સત્તાના વિકેન્દ્રીકરણથી અને ગામલોકો, ખાસ કરીને મહિલાઓની ક્ષમતા વધારીને સ્થાનિક સ્વરાજને મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. વાસ્મો સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજ્ય સરકારની બીજી સંસ્થાઓ, ભારત સરકાર, દાતાઓ અને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓ સાથે સંકલન સાધી આ પ્રયત્નોને વેગ આપે છે.
  • વાસ્મો સ્થાનિક સ્તરે લોકઆધારિત જળવ્યવસ્થાપન અને વરસાદી પાણીના સંગ્રહને પણ પ્રોત્સાહન આપે છે. આ માટે લોકોના પરંપરાગત જ્ઞાન, કોઠાસૂઝ અને સ્થાનિક નવા પ્રયોગોને જળસ્રોતના વ્યવસ્થાપન, પાણી કાર્યક્રમ તથા પર્યાવરણીય સ્વચ્છતા સાથે સાંકળવામાં આવે છે.
  • વાસ્મો પર્યાવરણીય સ્વચ્છતા અને જીવનધોરણને નવી ઊંચાઈ પર લઈ જાય તેવી શ્રેષ્ઠ પદ્ધતિઓને ખાસ ઉત્તેજન આપે છે. આ માટે ગામમાં હરિયાળી અને સ્વચ્છતા, આરોગ્ય, શુદ્ધ-સલામત પાણી, ગંદા પાણીનો નિકાલ અને શૌચાલય-શોષખાડાના ઉપયોગ જેવા વિષયો વિશે લોકોને માહિતગાર અને જાગૃત કરવામાં આવે છે.

પૂર્વભૂમિકા

ગુજરાત ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતની ઓળખ એક ઝડપથી વિકસતા જતા રાજ્ય તરીકેની ઊભી થઈ છે. પરંતુ સાથે સાથે એ પણ હકીકત છે કે છેલ્લાં કેટલાંય વર્ષોથી રાજ્યના લગભગ ૭૫ ટકા વિસ્તારોમાં પીવાના પાણીની હાડમારી હતી. જ્યાં પાણી પૂરતું છે ત્યાં ગુણવત્તા અને સ્વચ્છતાને લગતા પ્રશ્નો છે. છેલ્લાં ૭૫ વર્ષમાંથી લગભગ ૨૬ વર્ષ દુકાળનાં વર્ષો હતાં અને આટલું ઓછું હોય તેમ ૨૦૦૧માં આવેલા ભૂકંપે પાણીવ્યવસ્થાતંત્રને ગંભીર નુકસાન કર્યું.

વર્ષોથી એકધારા પ્રયાસો થતા હોવા છતાં પણ પાણીની અછત વર્તાતી જ રહી છે. આથી પાણી વિતરણ અને વ્યવસ્થાપનના અભિગમમાં પરિવર્તન લાવવું જરૂરી હતું. આ પરિવર્તનના ભાગરૂપે ગુજરાત સરકારે વૉટર ઍન્ડ સૅનિટેશન મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશન (વાસ્મો)ની એક સ્વાયત્ત સંસ્થા તરીકે મે ૨૦૦૨માં સ્થાપના કરી.

વાસ્મો, રાજ્યના ગ્રામવિસ્તારોમાં લોકો પોતે પોતાની આવડતથી પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ ઊભી કરી તેનું સંચાલન કરી શકે એટલે તેમને સક્ષમ બનાવવા કાર્યરત છે.

૧૯૯૩માં દેશના બંધારણમાં ૭૩મો સુધારો કરવામાં આવ્યો. એ સુધારામાં ગામમાં પીવાના પાણી પુરવઠાની સત્તા અને જવાબદારી ગ્રામ પંચાયતને સોંપવામાં આવી. પુરવઠા આધારિત, સરકારી માલિકીની પાણી યોજનાઓના સ્થાને વિકેન્દ્રિત, લોકભાગીદારીવાળી યોજનાઓને પ્રોત્સાહન આપવાની વાત સાથે, ૧૯૯૯માં ભારત સરકારે પીવાના પાણીના ક્ષેત્રે સેક્ટર રિફોર્મનો પ્રારંભ કર્યો.

જેના અંતર્ગત, ભારતનાં ગામડાંઓમાં વસતા લોકોને તેમના ગામની પોતાની પાણી વ્યવસ્થા અને સ્વચ્છતાની સુવિધાઓ વિકસાવવાની અને તેનું સંચાલન કરવાની વધુ સત્તા સોંપવામાં આવી. આ પહેલોને ગુજરાતમાં નક્કર સ્વરૂપ આપવાનું કામ વાસ્મોને સોંપાયું.

લોકોની સહભાગીતા એ વાસ્મોની વિશેષતા છે.

વિકાસના તમામ પ્રયત્નોમાં લોકો કેન્દ્રસ્થાને હોવા અનિવાર્ય છે. આથી ગામની પાણી વિતરણ અને સ્વચ્છતાની સુવિધાઓના વપરાશકર્તાઓ જ તેના માલિક અને વ્યવસ્થાપક હોય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા વાસ્મો પ્રયત્નશીલ છે.

કાર્યપદ્ધતિ

ગુજરાતનાં ગામેગામ લોકો પાણી અને સ્વચ્છતાની તેમની જરૂરિયાત વિચારી, સમજીને તેને અનુરૂપ, તેમને સંતોષજનક સુવિધાઓ વિકસાવવાનું આયોજન અને અમલ કરી શકે તે પ્રમાણે સહાયભૂત થવા વાસ્મો પ્રયત્ન કરે છે. ગ્રામપંચાયતો અને ગામલોકો સ્થાનિક જળસ્રોતનું વ્યવસ્થાપન કરી શકે અને પેયજળ તથા પર્યાવરણીય સ્વચ્છતાની સુવિધાઓ તૈયાર કરી જાળવી શકે એવી સ્થિતિ સર્જવાની નેમ સાથે વાસ્મો ગામલોકોને સક્ષમ બનાવે છે. આ કામમાં વાસ્મો સ્થાનિક સ્તરે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ મેળવે છે.

ગામલોકો સાથે મળી ગ્રામસભા યોજીને ગ્રામપંચાયત હેઠળ બહેનો અને વંચિત વર્ગોની ભાગીદારીવાળી એક પાણી સમિતિ રચે છે. પાણી સમિતિના સભ્યો ગામલોકોના સાથમાં પાણી, સ્વચ્છતા અને જળસંચયના કામનું આયોજન કરે છે. દરેક કામ સૌની સહિયારી માલિકીનું હોવાથી ગામનો દરેક પરિવાર લોકફાળો આપે છે.

ગામના પાણી અને સ્વચ્છતા તથા જળવ્યવસ્થાપન માટેના દરેક કામમાં વાસ્મો સહાયક બને છે અને લોકોની આવડતનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે. વાસ્મો ગામની પાણી સમિતિએ નક્કી કરેલા આયોજનમાં લોકફાળો એકઠો થયા પછી ખૂટતી રકમની (કુલ ખર્ચના ૯૦ ટકા સુધીની) નાણાકીય સહાય પૂરી પાડે છે અને ઇજનેરી માર્ગદર્શન પૂરું પાડે છે.

ગામમાં વ્યક્તિદીઠ પૂરતું, નિયમિત અને સ્વચ્છ-સલામત પાણી મળે તેવી વ્યવસ્થાને વાસ્મો પ્રોત્યાહન આપે છે તથા ગામની આવતાં ૩૦ વર્ષની સંભવિત વસતિને ધ્યાનમાં લઈને પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ તથા જળસ્રોતના વ્યવસ્થાપનનું આયોજન કરવામાં પાણી સમિતિને મદદ કરે છે.

ટૂંકમાં, વાસ્મો સ્થાનિક લોકસંસ્થાઓની મદદથી દરેક ગામમાં પેયજળ અને સ્વચ્છતાની સુવિધાઓની મદદથી સૌનું જીવનધોરણ ઊચું આવે તેવા પ્રયાસોમાં ગામલોકોને સંપૂર્ણ માર્ગદર્શન, સહયોગ અને પ્રોત્સાહન આપે છે.

વધુ માહિતી વાસ્મોની વેબસાઇટ પર

Leave a comment