• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

‘‘આ કામ તો બહુ પહેલાં કરવા જેવું હતું !’’

ડો. વિનોદ માંગુકિયા

પીવાનું શુદ્ધ પાણી મળે તે માટેનો એકમાત્ર ઉપાય છે પોતાના આંગણામાં વરસાદનું પાણી ઝીલીને તેનો સંગ્રહ કરવાનો. આ ઉપાય તદ્દન હાથવગો છે. કુદરત વરસાદના રૂપમાં અમૃત વરસાવે છે પણ એ અમૃતનો સંગ્રહ કરવાને બદલે આપણે સૌ શહેરવાળા કે ગામમાં રહેનારા શેરીઓમાં જવા દઈએ છીએ અને પછી ડેમનું, તળાવનું, કૂવાનું કે બોરનું પ્રદૂષિત કે ક્ષારવાળું પાણી પીધા કરીએ છીએ.

ચોમાસામાં કુદરતની કૃપા સૂપડાધારે વરસે છે ત્યારે આપણે તેનો નિકાલ કરી દઈએ છીએ અને ઉનાળે ડોલ અને ખાલી બેડાં લઈને અહીં-તહીં ભટકીએ છીએ, અધિકારીઓ સામે બેડાં-સરઘસ કાઢીએ છીએ, આવેદનપત્ર આપીએ છીએ અને પાણી માટે વલખીએ છીએ. આપણે સૌ રોજબરોજ ઘરે અને બહાર યા કયાંય પણ પાણી પીએ છીએ તેને શુદ્ધ માનીને પીએ છીએ પણ એ કેટલું શુદ્ધ છે તે તો તેનો ટેસ્ટ કરાવીએ ત્યારે જ ખ્યાલ આવે.

અમારો અનુભવ એ છે કે અમે દર વરસે વરસાદના પાણીનો સંગ્રહ કરી લઈએ છીએ. મારા ઘરના આંગણામાં કુલ પચીસ હજાર લિટર પાણી સમાય એવડા બે ટાંકા બનાવ્યા છે. અમે અગાસીને ખૂબ સાફ કર્યા પછી પાણી ભરીએ છીએ. ટાંકાને એરટાઇટ ઢાંકણાથી બંધ રાખીએ છીએ. આખું વરસ પાણી તાજું જ રહે છે. મેં આ પાણીનો લેબોરેટરીમાં ટેસ્ટ પણ કરાવ્યો છે અને તે પ્રદૂષણમુકત ઠર્યું છે.


જોકે અગાસી ગમે તેટલી સાફ કરો તો પણ આકાશમાં રહેલાં રજકણો અને અગાસીના થોડા ઘણા રજકણો પાણીમાં આવવાના પણ એ ઠરીને તળિયે બેસી જશે. છતાં આવું પાણી ડેમ, તળાવ, કૂવા કે બોરના પાણી કરતાં અનેક ગણું શુદ્ધ અને પીવામાં મીઠું લાગે છે. અમારે અહ જૂનાગઢમાં જેણે જેણે આવા ભૂમિગત ટાંકા બનાવ્યા છે તેઓનો સૌનો અનુભવ ખૂબ જ સારો છે. હવે આવા ટાંકાવાળા લોકો એમ કહે છે કે, ‘‘એક વાર ટાંકાનું પાણી પીધા પછી બીજું પાણી ભાવતું નથી અને ફાવતું પણ નથી.’’

ખાસ કરીને વડીલોને માટે આવું શુદ્ધ પાણી ખૂબ જ ઉપયોગી થાય છે. જૂનાગઢના નવા વિસ્તારમાં હવે કોઈ ગૃહસ્થ પોતાનું રહેવા માટેનું મકાન બનાવે છે, તો તે ભૂમિગત ટાંકો બનાવે છે. ટાંકો એક અનિવાર્યતા બની ગયો છે. કોઈનું નવું બનેલું મકાન જોવા સગાં-સ્નેહીઓ-મિત્રો આવે ત્યારે મકાનમાલિક પોતાના ઘરે બનાવેલ પાણીના ટાંકાને ગૌરવપૂર્વક બતાવે છે.

લોકો આવા ટાંકાના એક ખૂણે ફકત ૧/૪ (પા) હોર્સ-પાવરની નાની મોટર એવી રીતે ગોઠવે છે કે તેની સ્વિચ રસોડામાં હોય અને પાણી સીધું રસોડામાં જ આવે. ગૃહિણીઓ માટે શુદ્ધ પીવાના પાણીની ઘેર બેઠાં કેટલી સરસ સુવિધા!


આપણે વરસો સુધી અશુદ્ધ પાણી પીતા રહ્યા. મારું જન્મસ્થળ ભડિયાદ (પીર) એટલે ભાલ પ્રદેશનું છેવાડાનું ગામ. આ ગામમાં ચાળીસ વરસ પૂર્વે નાનપણમાં અમે આખું ગામ તળાવનું ડોળું (ડહોળું) અને પ્રદૂષણયુકત જ પાણી પીતાં હતાં.

એ દિવસો યાદ કરું છું ત્યારે એમ થાય છે કે લોકોમાં શુદ્ધ પાણી પીવાના ટાંકા બનાવવાની કાં તો સમજ નહોતી કાં તો સગવડ નહોતી. આજે હવે આ સમસ્યા નથી. આજે સમજ પણ આવી છે અને સગવડ પણ આવી છે. શહેર હોય કે ગામડું, શ્રીમંત હોય કે નાનો માણસ, સૌ પોતાની જરૂરિયાત પૂરતું પાણી પ્રાપ્ત થાય એવો ટાંકો બનાવી શકે.


આજે તો કડિયાકામે જતો કારીગર જો મોટરસાઇકલ લઈને જતો હોય અને મોબાઇલ ઉપર કામના ઓર્ડર મેળવતો હોય તો તે માણસ પણ પોતાના આંગણામાં ઘરના સભ્યોની જરૂરિયાત મુજબ પાણીનો ટાંકો બનાવી શકે. રહી ગરીબોની વાત. એ લોકોને અગાસી ન હોય અને વિલાયતી નળિયાં હોય તો પણ પાણી ઝીલી શકાય. પણ જેને એવું છાપરું ન હોય તેને માટે પાણી ઝીલવું અશકય છે. તેવા લોકો આસપાસમાં કોઈને મોટી અગાસી હોય અને તેમને પાણી વધતું હોય તો તેમાંથી પાઇપ વડે લંબાવીને પોતાના ઘરે નાનો ટાંકો બનાવીને ભરી શકે.


આર્થિક રીતે નબળા પરિવારોને પાણી સંગ્રહ માટે સહાય પણ મળતી હશે. કેટલીક સામાજિક સંસ્થાઓ પણ આવા કામમાં સહાય આપતી હોય છે. ટાંકો ખોદવાની જાતમહેનત કરવામાં આવે તો ઓછા ખર્ચે ટાંકો થઈ શકે. તદ્દન ગરીબ લોકો વ્યસનો છોડી, થોડી બચત કરી એક વાર આવો ટાંકા બનાવી લે તો જિંદગીભર સ્વચ્છ પાણી પીવાનું મળે.


આપણે પ્રવાસમાં જઈએ છીએ ત્યારે મિનરલ વોટરની એક બોટલ દસ રૂપિયા આપીને લઈએ છીએ. એટલે કે આવું શુદ્ધ પાણી બજારમાં દસ રૂપિયે લિટર પડે છે. જો ઘરે પાકો ટાંકો  બનાવવામાં આવે તો દોઢ રૂપિયે લિટર પાણી પહેલે વરસે મળે, અને પછી દર વરસે તદ્‌ન મફત મળે, જિંદગીભર મફત મળે. જો પહોંચતા માણસો હોય અને ધરતીકંપની બીકે આર.સી.સી.નો ટાંકો બનાવે તો આ પાણી બેથી અઢી રૂપિયે લિટર પડે, અને તે પહેલે વરસે, પછી તો જિંદગીભર મફત શુદ્ધ પાણી ઘરે બેઠાં મળે.


આ પ્રયોગ આપણી તમામ શૈક્ષણિક સંસ્થાઓએ પણ કરવા જેવો છે. આપણા ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે. શાળાના આચાર્ય રસ લઈને લોકભાગીદારીથી શાળામાં જ ભૂમિગત ટાંકો બનાવે તો આખું વરસ પીવાનું શુદ્ધ પાણી મળે.


હમણાં સમાચાર વાંચ્યા કે કચ્છના એક ગામે શિક્ષકે લોકભાગીદારીથી શાળાના પ્રાંગણમાં વરસાદી પાણીનો વિશાળ ટાંકો બનાવી, વિદ્યાર્થીઓની પીવાના પાણીની સમસ્યા ઉકેલી છે. આવા કામમાં સરકારી રાહે કામ થશે એવી રાહ જોઈ બેસી રહેવા કરતાં લોકભાગીદારીથી કામ જલદી ઉકેલી શકાય.


જે ગામના લોકોનાં બાળકો જે શાળામાં ભણતાં હોય તે શાળાને ગામલોકો આટલી મદદ ન કરી શકે? અને તેય પોતાનાં દીકરા-દીકરીને જ પીવાનું છેને? લોકો બીજા લોકોને માટે પરબો બંધાવે છે ત્યારે આપણે આપણાં બાળકો જે શાળામાં ભણતાં હોય તે શાળાને આટલી આર્થિક મદદ કરીને એક સારું કામ ન કરી આપીએ? દરેક શાળા વરસાદી પાણીનો આવો સંગ્રહ કરે તો કેટલું સરસ કામ થાય?

જૂનાગઢ શહેરની બહાર જરા દૂર એક ગામ પાસે પાંચ મિત્રો મળીને એક સુંદર શૈક્ષણિક સંસ્થા ઊભી કરી રહ્યા છે. તેઓ મને પણ મળ્યા. કોઈ સૂચન હોય તો કરવા કહ્યું. મેં તેમને સૌ પ્રથમ પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવા કહ્યું. એમને એ વાત ગમી ગઈ અને સંસ્થાના નવનિર્મિત ભવનોનું બધું પાણી ઝીલીને ભૂમિગત વિશાળ ટાંકામાં સંગ્રહી લેવા માટે અઢી લાખ લિટરનો એક એવા બે વિશાળ ટાંકા બનાવ્યા છે. વિદ્યાર્થીઓને આખું વરસ આ સ્વચ્છ પાણી પીવા મળશે.


જે સામાજિક સંસ્થાઓ છે અને જે જે શૈક્ષણિક સંસ્થાઓ છે તે બધે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવે તો `ઘેર બેઠા ગંગાજેવા લાભ મળે. વરસાદના પાણીની મજા જ એ છે કે એક વાર તમે એ પીવાનું શરૂ કરો પછી બીજું કોઈ પાણી ભાવે નહીં.

મને પોતાને વરસાદી પાણીના ટાંકાનો ખૂબ સારો અનુભવ થયો છે એટલે હું તો એનો પ્રચારક બની ગયો છું. કોઈના પણ ઘરે જાઉં ત્યાં પહેલી વાત ટાંકા બનાવવાની કરું છું. કોઈક તરત જ અપનાવે છે તો કોઈક બે-ત્રણ મુલાકાત પછી સમજે છે, પણ એક વાર ટાંકો બનાવી વરસાદી પાણી જે જે લોકોએ પીવા માંડ્યું છે તેઓ હવે એમ કહે છે કે, ‘‘ટાંકો ખૂબ મોડો બનાવ્યો, આ કામ તો ખૂબ વહેલાં કરવા જેવું હતું.’’

(‘અખંડ આનંદમાંથી સાભાર)

Leave a comment