• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારોમાં પેયજળ કાર્યક્રમ

અમલીકરણ સ્વૈચ્છિક સંસ્થાના અનુભવો

આર.કે. સામા, વંદના પંડ્યા

૧ મે, ૧૯૬૦ના રોજ  ગુજરાત રાજયની સ્થાપના થઇ ત્યાર પછીના બે દાયકા સુધી ગ્રામીણ વિસ્તારમાં પાણી અને સ્વચ્છતાના કામોની જવાબદારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિભાવાઇ. ૧૮૦૦૦ થી વધુ ગામોની પાણી જેવી મૂળભૂત જરૂરિયાતને સારી રીતે સંતોષી શકાય તે માટે એપ્રિલ ૧૯૮૧માં રાજ્યમાં પાણી પુરવઠા બોર્ડની રચના કરાઈ અને બહોળા ગ્રામીણ સમુદાયની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી.

એ પછી પાણીની  વધતી જતી માંગને પહોંચી વળવા મહી –  નર્મદા નદીઓનું પાણી છેક સૌરાષ્ટ્રમાં પહોંચાડવાની જવાબદારી ૧૯૯૯માં ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડને સોંપાઈ. પાણી તો પહોંચતું થયું. પરંતુ તેના વ્યવસ્થાપનમાં લોકોની માલિકીભાવના ન હોવાથી ગ્રામ્યસ્તરે સુવિધાઓની સારસંભાળના ઊભા થયેલા પ્રશ્નોનો ઉકેલ મળતો ન હતો. આ મુદ્દે સરકારમાં વિચારણા થઇ અને સરકારના નીતિ વિષયક નિર્ણાયક જૂથે સૂચવ્યું કે કાર્યક્રમને `લોકવ્યવસ્થાપિતબનાવીએ તો સમગ્ર વ્યવસ્થા `પારદર્શકબનશે અને પ્રશ્ન ઉકેલી શકાશે.


આ વિચારને સાકાર કરવા ૨૦૦૨માં `વાસ્મોની રચના થઇ. આ અનુસાર `વાસ્મોદ્વારા સૌપ્રથમ ર૦૦૩માં ભૂકંપ અસરગ્રસ્ત કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર અને પાટણના સાંતલપુર વિસ્તારમાં `લોકવ્યવસ્થાપિત પેયજળ અને સ્વચ્છતા કાર્યક્રમનું અમલીકરણ શરું થયું. આ કાર્યક્રમમાં કુલ ૧૨૬૦ ગામો આવરી લેવાયા છે અને અત્યાર સુધીમાં ૧૦૪૪ ગામમાં લોકભાગીદારીથી પીવાના પાણીની સુવિધા ઊભી થઈ ગઈ છે જેની નિભાવણી પણ લોકો જ કરી રહયા છે. આ લોકવ્યવસ્થાપિત કાર્યક્રમે ગુજરાતમાં  ઊડીને આંખે વળગે એવી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવું કહી શકાય.

કાર્યક્રમ અમલીકરણમાં સક્રિય હોય એવા સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરોએ નોંધપાત્ર મુદ્દાઓ પર ધ્યાન દોર્યું. તેમની સાથેની ચર્ચા દરમિયાન બહાર આવેલી કેટલીક  બાબતોથી લોકભાગીદારીથી કામ કરવાના વિચારનું દૃઢીકરણ થયું. આ કામગીરીને સફળ બનાવવા દિવસ-રાત એક કરનાર પાસેથી લોકભાગીદારી, લોકફાળો, વહીવટમાં પારદર્શકતા અને કાર્યક્રમમાં બહેનોની ભાગીદારી જેવા વિષયો પર ઊડાણપૂર્વક માહિતી મળી છે. જે આપ સૌની સમક્ષ મૂકતાં અતિ આનંદની લાગણી થાય છે.

કાર્યક્રમમાં લોકભાગીદારીના અદ્‌ભૂત ઉદાહરણો સાંભળવા મળ્યાં જેમ કે –

માંડવીના બાયઠ ગામના લોકો અમને કહેતા અમે આટલા વર્ષમાં કયારેય લોકભાગીદારી શબ્દ સાંભળ્યો જ ન હતો. લોકભાગીદારીથી કરવાનો હોય તેવો આ પ્રથમ કાર્યક્રમ અમારા ગામમાં થયો. શરૂઆતમાં લોકભાગીદારી શબ્દ ગામલોકોને ગળે ઉતારવામાં ખૂબ મહેનત પડી.

અમારા ગામે રૂ. ૧,૪૨,૦૦૦નો લોકફાળો એકઠો થઇ શકયો તે વાતની અમને પણ નવાઇ લાગી છે. આજે અમારું ગામ અમારી યોજના સ્વતંત્ર રીતે ચલાવતું થઇ ગયું છે. રૂ.૨,૩૭,૦૦૦ પાણી વેરા પેટે મરામત નિભાવણીના ખાતામાં જમા લીધા તેમાંથી જરૂરી ખર્ચ કરીએ છીએ. અમારા ગામે પાણી પુરવઠા વિભાગના સચિવશ્રી પધારેલા અને અમારો આવડો મોટો નાણાંકીય વ્યવહાર જોઇને અમને કમ્પ્યુટરની વ્યવસ્થા કરી આપવાનું વચન આપ્યું છે.


જયારે લોકફાળો લેવાની વાત આવે ત્યારે ગામમાં એવી વ્યકિત પર ગામલોકો વિશ્વાસ મૂકે છે જેમનામાં ગામલોકોને આર્થિક વ્યવહારો બાબતે શ્રધ્ધા હોય. સામાજિક કામો માટે અનેક લોકો આગેવાની લેતા હોય છે. પરંતુ તે દરેકમાં ગામલોકો વિશ્વાસ મૂકતા નથી. સાંતલપુરના બામરોલી ગામે એક વર્ષ સુધી લોકફાળો ન થયો. પરંતુ ગામલોકો વારંવાર કહેતા કે દૂધ મંડળીના મંત્રી ભલે પાણી સમિતિમાં સભ્ય નથી પણ અમને તેમનામાં જ વિશ્વાસ છે. પાછળથી ઠરાવ કરી તેમને પાણી સમિતિમાં સભ્ય બનાવાયા.


વિવેકાનંદ રિસર્ચ અને ટ્રેનીંગ સંસ્થાના શ્રી રોહિત ત્રિવેદીએ જણાવ્યું કે વઢ ગામ એવું છે જેમને કોઇ પ્રકારનાં યોજનાકીય કામો કરવાનો અનુભવ ન હતો. તેમ છતાં આ કાર્યક્રમ સાથે જોડાયાં અને કામો પૂર્ણ કરી બતાવ્યા છે. બહેનોએ લોકફાળો લેવા પહેલ કરી ત્યારબાદ પાણી સમિતિના અન્ય સભ્યો પણ સક્રિય બન્યા છે. ગામમાં બોરથી ટાંકા સુધીની ૩ કિ.મી. ની પાઇપમાં કાયો લાગી ગયો હતો. પાણી સમિતિએ નક્કી કર્યું કે આ પાઇપને સાફ કરી ફરી ઉપયોગમાં લેવાશે. અહીં નવી પાઇપનો ખર્ચ કરવાની જરૂર નથી.

આ ત્રણ કિ.મી. પાઇપલાઇન પાણી સમિતિના સભ્યોએ એસિડ નાંખી સાફ કરાવી અને કાયો દૂર કર્યો. કાર્યક્રમ અંતર્ગત ૩૪૦૦ મીટરની નવી પાઇપ નંખાઇ અને કામો પૂર્ણ થયાં. કામગીરી દરમિયાન જૂની પાઇપો વેસ્ટેજ તરીકે નીકળી હતી. તેને ભંગારમાં વેચી અને પાણી સમિતિના ખાતામાં રૂ. ૩૨૦૦૦ જમા કરાવ્યા.


લોકફાળો એ કાર્યક્રમનું અનિવાર્ય પાસું છે અને દરેક વ્યકિતએ યોગદાન આપવું ફરજિયાત છે. ભૂકંપ બાદ જુદી જુદી રાહતનો લાભ લેનાર લોકોને લોકફાળો આપતા કરવા એ મોટો પડકાર હતો. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે લોકોએ પોતાના ગામમાં પાણીની સમસ્યા દૂર કરવા એ કરી બતાવ્યું, પોતાની આગવી સૂઝથી રસ્તા કાઢ્યા.


માંડવી વિસ્તારમાં એક પ્રણાલિ હતી કે દુષ્કાળના સમયમાં ચારો લાવવો, સ્કૂલના વિકાસમાં નાણાંની જોગવાઇ કરવાની હોય વગેરે કામો માટે ગામમાં લોકડાયરાનું આયોજન થાય અને તેમાં જે `ગોર‘ (ગામલોકોએ આપેલો ફાળો) એકત્રિત થાય તે આવા કામો માટે વપરાય. આ જ પ્રણાલિનો પાણી સમિતિએ લોકફાળો એકઠો કરવા પ્રયોગ કર્યો. જીયાપર ગામે રૂ. ૮૦૦૦ની ગોર થઇ.

પરંતુ `વાસ્મોસહાયિત કાર્યક્રમમાં રૂ.૭૦,૦૦૦ ભરવાના હતા. તેથી એકઠા થયેલા રૂ.૮,૦૦૦માં ર૦૦૦ ઉમેરીને રૂ.૧૦,૦૦૦ની રકમમાં ફરી ડાયરાનું આયોજન કરાયું. તે દરમિયાન રૂ.રપ,૦૦૦ એકઠા થયા અને એ અપૂરતા લાગતા ત્રીજી વખત ડાયરો બોલાવ્યો અને બીજા રૂ.ર૭,૦૦૦ એકઠા થયા. આમ, એકત્રિત થયેલ રૂ.પ૭,૦૦૦માં ઘટતી રકમ ગામમાં ઘેર ઘેરથી ઉઘરાવીને લોકફાળો જમા કર્યો.


અબડાસાના ફૂલાયવાંઢ ગામની પરિસ્થિતિ અત્યંત દૂબળી. લોકફાળો એકઠો કરવાનું લગભગ અશકય જ લાગતું હતું. તેમાં દેશરભાઇનાં પત્નિએ પોતાનાં ઘરેણાં ગીરવે મૂકી લોકફાળા પેટે જમા લઇ લેવા વિનંતિ કરી. અન્ય કોઇ રસ્તો બાકી રહયો ન હતો.  તેથી ગ્રામજનોએ સૂચન સ્વીકાર્યું. તેમના ઘરેણાં ગીરવે મૂકી રૂ.૩,૩૦૦ પાણી સમિતિએ લોકફાળા પેટે જમા લીધા. આ જોઇ ઓસમાન સલેમાનભાઇએ પોતાની બકરી વેચી દીધી અને રૂ.૧૨૦૦ પાણી સમિતિના ખાતામાં જમા કરાવ્યા. આમ કુલ રૂપિયા ૪૫૦૦ થી પાણી સમિતિએ ખાતું ખોલાવ્યું અને બાકીની રકમ ગ્રામજનોએ શ્રમદાન સ્વરૂપે ચૂકવી.


સુરેન્દ્રનગરના કેટલાક ગામોએ લોકફાળો લેવાની શોધેલી નવી રીતો વિશે સ્વાતિ સંસ્થાના ફાલ્ગુનીબેન જાડેજાએ વાત કરી. સુરેન્દ્રનગરની કેટલીક પાણી સમિતિઓએ નક્કી કર્યું કે જેમની પીયત જમીન હોય તેમની પાસેથી એકરદીઠ રૂ. ૬૦બીનપિયત હોય તેમણે એકરદીઠ રૂ.૩૦ અને જમીન ન હોય તેને ઘરદીઠ રૂ.૩૦૦ લોકફાળા પેટે જમા કરાવવા.

જે લોકો પાસે રોકડા પૈસાની સગવડ નહોતી પરંતુ તેમની ખેતીની ઉપજ તરીકે કપાસ હાથવગો હતો તેવા કિસ્સામાં વ્યકિતદીઠ એક મણ કપાસ લીધો અને આવી રીતે ૧૦૦ ઘરનો ૧૦૦ મણ કપાસ એકઠો કરી વેચાણ કર્યુ અને તે રકમ ફાળા પેટે જમા લીધી.


લોકફાળો એકત્રિત કરવાની ગામલોકોએ જે નવી પધ્ધતિઓ અપનાવી એ તે અન્ય વિકાસના કામોમાં અપનાવી શકાય. જ્યારે લોકો નાનાં નાનાં કામો માટે સરકાર પર આધાર રાખવાની માનસિકતા ધરાવતા હોય ત્યારે ગામમાં એક વાઈસર બદલવાનું હોય તો પાંચ રૂપિયા પણ કાઢવાની તૈયારી ન રાખતા એવા લોકોએ અઠવાડિયામાં જ રૂ.૩૫૦૦૦ એકઠા કરી બતાવ્યા. ગામલોકોની મૂળ માનસિકતા બદલાઈ એ ઘણી મોટી વાત છે.


પારદર્શક વહીવટ કાર્યક્રમની કરોડરજ્જુ જેવું અગત્યનું અંગ છે. એના વિશે વિવેકાનંદ રિસર્ચ અને ટ્રેનગ સંસ્થાના શ્રી રોહિત ત્રિવેદીએ જણાવ્યું કે સંસ્થા તરીકે અમે તકેદારી રાખી કે દરેક પગથિયે પારદર્શકતા જળવાય. કવોટેશન ખોલવા પાણી સમિતિના સભ્યોને કયારેય અમારી ઓફિસે નથી બોલાવ્યા. દરેક કવોટેશન ગામમાં જ બે પાંચ અનુભવી અને બહેનોની હાજરીમાં ખૂલે એવો આગ્રહ રાખીએ છીએ.


લોકભાગીદારીના કાર્યક્રમમાં બહેનોને સામેલ થવાની તક મળી, એને બહેનોએ સુપેરે ઝડપી લીધી છે.


આગાખાન સંસ્થાના નટુભાઈ ખાવડિયાના મતે જયાં જયાં પાણી સમિતિમાં બહેનોએ આગેવાની લીધી છે ત્યાં ઉદાહરણરૂપ કામગીરી થઇ શકી છે. જયાં જરૂર પડી ત્યાં બહેનોએ પાણી સમિતિને ફરિયાદ કરી નિષ્ક્રિય ઓપરેટરને બદલાવ્યા છેલોકફાળો એકઠો કરવામાં  આગેવાની લીધી છે, મંત્રી તરીકેની જવાબદારી  સ્વીકારી છે.


ખંભાળિયાના વાડીનાર ગામે બહેનો બાંધકામના કામોની દેખરેખ રાખવા નીકળી પડતી. પાઈપલાઈન નાખવાનું ખોદણકામ થયું હોય ત્યાં થોડા થોડા અંતરે લાકડી મૂકીને  માપી  લેતી અને જ્યાં ઓછું જણાય ત્યાં કોન્ટ્રાકટરને ફરી કામ કરવાનું કહેતી.


પેયજળ કાર્યક્રમમાં લોકોની નિષ્ઠા અને ખંત તથા પોતીકાપણાની ભાવનાના ઉદાહરણની   ઝલક દર્શાવે છે કે આમ મક્કમતાથી ડગ માંડતા રહીશું તો રાજયમાં પેયજળ સલામતિનું સ્વપ્ન સાકાર થઈને જ રહેશે. ?

Leave a comment